karma yog - karta bhav
લીલાધરની લીલા….
બાણશૈયા પર પડેલા પિતામહ ભીષ્મને મળવા માટે કર્ણ જાય છે. કર્ણના જન્મનું રહસ્ય જાણનાર ભીષ્મને તેના પિતામહ તરીકે કર્ણ પ્રત્યે સ્વાભાવિક રીતે વાત્સલ્યભાવ જાગે છે. કર્ણે પિતામહ ભીષ્મ પાસે યુદ્ધમાં પ્રવૃત્ત થવાની અનુજ્ઞા સાથે આશીર્વાદ માગ્યા. કર્ણે માગેલા આશીર્વાદના ઉત્તરમાં ભીષ્મએ કર્ણને કહ્યું, 'કર્ણ, યુદ્ધમાં સંમિલિત થવાની, લડવાની આજ્ઞા આપું ખરો. ઈચ્છા પણ રાખું કે તું તારું પૂરેપૂરું શૌર્ય-પરાક્રમ આ યુદ્ધમાં દાખવ; પરંતુ અંતે આમાં વિજય અર્જુનનો જ છે. કારણ કે એના પક્ષે સત્ય છે. હજી વિચાર કર. તું પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા છે. એમના પક્ષમાં મોખરે રહીને તારે લડવું જોઈએ. આમ કરીશ તો એમનો વિજય એ તારો વિજય ગણાશે.'
કર્ણની આ ત્રીજી કસોટી હતી. પહેલો પ્રયત્ન શ્રીકૃષ્ણે કર્ણને પાંડવોને પક્ષે લાવવાનો કર્યો હતો. ત્યારે કર્ણએ કહ્યું હતું : વિદિતં મે હૃષિકેશ, યતો ધર્મ: તતો જય: - હે હૃષિકેશ, હું જાણું છું કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. બીજો પ્રયત્ન એને જન્મ આપનારી માતા કુંતીએ કર્યો અને ત્રીજો પ્રયત્ન પિતામહ ભીષ્મ કરી રહ્યા હતા. કર્ણે પિતામહને કહ્યું: 'મારા ઉપર ઉપકાર કરનાર દુર્યોધન સમક્ષ મેં પ્રતિજ્ઞા કરી
છે કે તારાં સઘળાં દુષ્કર કાર્યો હું પૂર્ણ કરીશ. દુર્યોધને મને અંગરાજ બનાવ્યો. એનું ઐશ્વર્ય ભોગવ્યા પછી મારાથી એ પ્રતિજ્ઞાને નિષ્ફળ ન કરાય.' કર્ણની આ વાત સાંભળીને પિતામહ પળવાર ઊંડા વિચારમાં ઊતરી ગયા અને પછી સ્નેહભરી નજરે કર્ણને નિહાળતા કહ્યું, 'સ્વર્ગપ્રાપ્તિની ઈચ્છા સાથે યુદ્ધ કર. તને મારા આશીર્વાદ છે. તારી માતા કુંતીને યશ મળે એવું કાર્ય કરજે.' કર્ણે ચરણ સ્પર્શ કરીને વિદાય લીધી.
મહાભારતનું પઠન કરનાર કોઈના પણ મનમાં એક સહજ પ્રશ્ન આ વાંચીને ઊઠ્યા વગર રહેશે નહિ કે ગંગાપુત્ર ભીષ્મ અને દાનેશ્વરી કર્ણ, દ્રોણાચાર્ય જેવા અનેક પરમ ધાર્મિક લોકો અધાર્મિકોની જમાત જેવા દુર્યોધન અને તેના સંગાથીઓના પક્ષમાં શા માટે હતા ?
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે; ગણ્યું જે પ્યારૂં પ્યારાએ, અતિ પ્યારૂં ગણી લેજે... પરમાત્માની ઈચ્છાને જ પોતાની ઈચ્છા ગણી લેવાની શીખ આપતી આ કાવ્ય પંક્તિમાં ધાર્મિક મનુષ્યની હૃદયસ્પર્શી વ્યાખ્યા સમાયેલી છે. ધાર્મિક મનુષ્ય અર્થાત્ પરમાત્માને સમર્પિત વ્યક્તિ. તેની પોતાની કોઈ ઈચ્છા હોતી નથી. અસ્તિત્વ તેને જે બાજુએ લઈ જાય તે બાજુએ તે જાય છે. ભીષ્મ, કર્ણ, દ્રોણ આ બધાં આવા સમર્પિત વ્યક્તિત્વો હતા. વિશ્વના રંગમંચ ઉપર - પરમાત્માની લીલામાં – તેમણે પોતાને દુર્યોધનના પક્ષમાં, પરમાત્માની લીલાના પાત્રના રૂપમાં જોયાં અને પોતાને મળેલા પાત્રને ન્યાય આપવામાં લાગી ગયા. તેઓ જાણતા હતા કે સત્ય પાંડવોના પક્ષે છે; છતાં પણ, પરમાત્માએ સત્યની સામે લડવા અસત્યના પક્ષે પોતાને ઊભા કર્યા એટલે તે નિમિત્તે તેઓ લડ્યા. બીજો એક સહજ પ્રશ્ન આ તકે આપણાં મનમાં ઊઠે કે, અસત્યનું પોતાનું કોઈ બળ નથી. તો પછી અસત્યને સત્યનો - સત્પુરૂષોનો સહારો આપીને સત્ય સામે જ લડાવવાની લીલા પરમાત્મા શા માટે કરતો હશે? કાળના પ્રવાહમાં જ્યારે જ્યારે સત્ય ઝાંખું પડે છે અને અસત્યનો પ્રભાવ વધે છે ત્યારે ત્યારે એ લીલાધર સત્યના પ્રકાશને ફરી ઝળહળતો કરવા પૃથ્વી પર લીલા કરવા અવતાર ધારણ કરે છે. એ લીલામાં અંતે વિજય સત્યનો જ થાય છે - સત્યમેવ જયતે નાન્યર્તમ્. અને, એ સંઘર્ષના અગ્નિમાં શુદ્ધ થયેલું સત્ય ફરી ઝળહળી ઊઠે છે.
ક્યારેય, કોઈ વિકળ પરિસ્થિતિમાં મુકાવ, તમારી બુદ્ધિ એ વિકળ પરિસ્થિતિનો તાગ ન મેળવી શકે ત્યારે બુદ્ધિને એક બાજુએ મૂકીને - કર્તાભાવને અળગો કરીને - નિષ્કામ ભાવે પરમાત્માને સમર્પિત કર્મ કરજો. નક્કી માનજો, સમર્પિત કર્મ તમને કર્મના બંધનોથી મૂક્ત રાખશે. વિજય સત્યનો જ થશે અને તેમાં તમારૂં અને તમારા સાંનિધ્યમાં રહેનાર પ્રત્યેકનું કલ્યાણ જ હશે. નિષ્કામભાવે કરાયેલું કર્મ જ જીવનને સાર્થક બનાવે છે. અસ્તુ .… સુરેશ ગણાત્રા

No comments:
Post a Comment